Dr. Keshubhai Desai

English Language
rss rss rss rss rss Find us on:
 
  નવલક્થાઓ રેખા ચિત્રો વક્તવ્યો નિબંધો
  વાર્તાસંગ્રહો નાટકો કવિતાઓ જીવન ઝરમર
   
  વક્તવ્યો
  ઘણું જીવો ગુજરાતી!
  ગ્રંથ અને ગ્રંથપાલ
  નાલંદા – ૫રિસંવાદ

ઘણું જીવો ગુજરાતી

બીલીમોરા વ્યાખ્યાન,

કેશુભાઇ દેસાઇ પૂર્વ અધ્યક્ષઃ યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજય સદસ્યઃ  ભારતીય જ્ઞાનપીઠ પ્રવર પરિષદ

        ગુણવંતભાઇએ ગુજરાતના વેનિસ તરીકે ઓળખાતી આ મંદિરોની નગરીમાં માતૃભાષા વંદનાયાત્રામાં એમના સહયાત્રી સ્વંરૂપે ચાર ડગલાં ચાલવાની તક આપી એ બદલ એમનો તથા સંયોજક ર્ડા. ભદ્રાયુ વછરાજાનીનો આભાર માની મારી વાત શરૂ કરીશ. એક રીતે આ યાત્રા મહાત્માંએ ગાંધીની દાંડીયાત્રા જેવી ગણાય. ગાંધી અને ગુણવંત એક રાશિના શબ્દોં છે-બેઉ સમર્પિત, કમિટમેન્ટ વાળા જીદ્દી જીવડા છે. ગાંધી સંસ્કારની આછીપાતળી ‘ઝરણી’ ગુણવંત નામધારી ગુજરાતી વિચારકમાં વહેતી બલકે ધબકતી જોઇ શકાય છે. એમણે ગાંધી વાચ્યા છે,વિચાર્યા છે અને યથાશક્તિ પચાવ્યા પણ છે. ગાંધી વિષે એમણે સતત જાગ્રત ચિંતન કર્યું છે અને જયાં એમનાથી જુદા પડવા જેવું લાગ્યું ત્યાં હિંમતપૂર્વક પોતાનો પક્ષ મૂકી આપ્યો છે. મીઠાનો કાયદો એ દેશી પ્રજાના સ્વમાન ઉપરનો ઘા હતો. એ અંગ્રેજોએ કરેલા અપમાન સામેનો એક સાચા ગુજરાતીએ આદરેલો સત્યાગ્રહ હતો. આજે ગુજરાતી ભાષા સહિત આ કહેવાતા આઝાદ દેશની મોટા ભાગની ભાષાઓ પર અંગ્રેજીએ ભરડો લીધો છે. સર્વેક્ષણો ઉપરથી નીકળતાં તારણો મુજબ આગામી વર્ષો દરમિયાન ભૂંસાઇ જનારી ભાષાઓમાં આપણી ગિરાગૂર્જરીનો- નરસિંહ, નર્મદ, ગોવર્ધનરામ અને ગાંધીની ગિરાનોય સમાવેશ થાય છે. ગુણવંત શાહ નામના એક જાગતા જોગીએ એક સાચકલા, અદના શિક્ષકે, મારી અને તમારી ભાષાના એક સમર્થ સારસ્વતે અંગ્રેજીના આક્રમણ સામે દૂધ ભાષાને બચાવવા ઉપાડેલી આ ઝુંબેશ પણ એ અર્થમાં સ્‍વમાનની જ લડાઇ છે. ગાંધી ‘સુદામાપુરી’ પોરબંદરમાં જન્યા અને સાબરમતીને તીરે આશ્રમ સ્થાપી વિકસ્યા ગુણવંત શાહ તાપી તટે રાંદેરમાં, નર્મદાનગરીમાં ઊછર્યા અને ભટ્ટ પ્રેમાનંદના વતન વીરક્ષેત્ર વડોદરે તંબૂ તાણી વસ્યા. જયારે ગુણવંતભાઇ ગુજરાતીના નિમિતે ટૌકો કરે ત્યા્રે સ્વાભાવિક રીતે જ આ બધા પુણ્યાત્માં અને મહાત્માઓનાં નામ હૈયે ચડે. હું બીલીમોરાની હરિત ભૂમિમાં માતૃભાષાની વંદના અને વેદના ગાવા ગુજરાતના ઓતરાદા મલકથી આવી પૂગ્યો  છું કારણ કે મને મળેલું તે એકલા ગુણવંત શાહ, ભદ્રાયુ વછરાજાની કે ઉષા ઉપાધ્યાયનું જ ઇજન નહોતું, એમાં કૌંસમાં કયાંક નરસિંહ, પ્રેમાનંદન, નર્મદ, ગોવર્ધનરામ અને ગાંધીનાં નામ પણ વંચાયેલાં.... સર્જક છું ને ! ‘- બહુ લાંબું ભાળું છું.’ આખરે હું ય દલપતરામ જેવો ગુજરાતી રાણીનો નાનકડો વકીલ છું. ગાંધીના પેંગડામાં પગ ઘાલવાનું આપણું ગજું નહીં. પણ દાંડી અહીંથી બહુ છેટું નથી. તમારું ગામ અને દાંડી બેઉ નવસારી જીલ્લામાં આવે છે અને અમારાં ભાષણ પૂરાં થશે તે પછી અમારો આ કાફલો પણ નવસારી ભણી રવાના થવાનો છે. ગાંધીજીએ એમનાથી ઉંમરમાં એકાદ વરસ મોટા સાક્ષરશિરોમાણિ બ.ક.ઠાકોરને અંગ્રેજીમાં કાગળ લખવા બદલ ખખડાવી નાખેલા. સુણાવી દીધેલું : મારું ચાલે તો એક ગુજરાતી સાથે અંગ્રેજીમાં વતા કરનારા ગુજરાતીને છ મહિનાની કાળા પાણીની સજા કરું. જુઓ આ મૂઠી હાડકાંના માનવીનો ‘જોસ્સો‘ ! એણે જે હૈયે ઊગ્યું  તે હોઠે આણી દીધું ’તું. મુંબઇમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં દિગ્વિજય કરીને આવેલ ગાંધીના સન્માંન સમારોહમાં મહમદ અલી ઝીણા અંગ્રેજીમાં બોલ્યા પણ ગાંધીએ તો ગુજરાતીમાં જ બમકાવ્યું . અંગ્રેજીમાં પહેરવેશ પણ નહીં કે અંગ્રેજી ભાષા પણ નહીં. ‘હિંદ સ્વંરાજ’ લખાયાને સો વરસનાં વહાણાં વાઇ ગયાં છે. પોતાના વિચારદેહ તરીકે ઓળખાવાયેલ આ નાનકડું પુસ્તસક ગાંધીએ ગુજરાતીમાં લખ્યું કારણ કે એ પ્રામાણિકપણે માનતા હતા કે માણસ એનું હૈયું તો માતૃભાષામાં જ ખોલી શકે. પછી મિત્ર કેલનબેક માટે જાતે જ એનો અંગ્રેજી અનુવાદ પણ કરી આપ્યો એમને અંગ્રેજી ખૂબ સારું આવડતું હતું બલકે અંગ્રેજો સામે આખી આઝાદીની લડાઇ તો એમને અંગ્રેજીમાં જ લડવી ૫ડી હતી, એ કયાં અજાણ્યું છે ? પણ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ એમણે ધરાર માતૃભાષા-માં જ લખી. દયાનંદ સરસ્વઆતીની જેમ એ ૫ણ ‘રાષ્ટ્રભાષા’ તરીકે હિંદી-હિંદુસ્તાસનીના પ્રખર સમર્થક હતા. દયાનંદ સરસ્વવતીએ એમનો ધર્મગ્રંથ ‘દેવભાષા’ ને બદલે ‘દેશભાષા’ માં લખીને ચીલો ચાતરેલો ; ગાંધીજી એક ડગલું આગળ ચાલ્યા્- ‘સત્યતના પ્રયોગો’ આમ તો આખી માનવજાતને રસ પડે એવા ‘મહાત્માં’ ની કથા, પણ એ ધરાર પોતાની દુધ ભાષામાં લખીને એમણે દુનિયાને કહેવા જેવું બિટવિન ધ લાઇન્સ કહી દીધું. પણ ગાંધીની અનુગામી પેઢીના ગાંધી વિચારને વરેલા વરિષ્ઠ પ્રબુધ્ધ-જન નિવૃત ન્યાયમૂર્તિ જસ્ટિસ ત્ર્યંબકલાલ ઉ. મહેતા સામે જરા જુદી જ જાતની સમસ્યા આવી પડી. ભાલપંથકમાં સંતબાલજીની સેવા-સુગંધ જીવતી રાખવા મથતા આ ગૂર્જરપુરુષનાં સંતાનો અમેરિકા વસી ગયાં છે અને ત્રીજી પેઢી માટે તો ગુજરાતી તદ્દન અજાણી ભાષા બની ગઇ છે. એમણે જૈન ધર્મ વિશે અને ગુજરાતના ઇતિહાસ વિશે ગુજરાતીમાં લખેલ ગ્રંથો વંચાયા અને વખણાયા છે. ‘ગાંધીદર્શન’ નામનો ગ્રંથ સસ્તું સાહિત્ય દ્રારા પ્રકાશિત થયો છે, જે ગાંધીને સમજવા માટેના સંદર્ભગ્રંથની ગરજ સારે એ બરનો છે. પણ આટલું ઉત્તમ સાહિત્યહ માતૃભાષામાં પીરસનાર ન્યાયશાસ્ત્રી ને એમની આત્મ-કથા અંગ્રેજીમાં લખવી ૫ડી, કારણ કે પોતાનાં પોતરાં કે દોહિતરાંને ગુજરાતી આવડતી જ નથી ! આ પણ કેવી વિડંબના છે ! કયારેક તો એમ પણ થાયઃ આવી સ્થિેતમાં ગાંધીજીએ શું કર્યું હોત ? એમની ત્રીજી પેઢી પણ ગુજરાતીમાં કાચી છે. (છતાં એ પણ સાચું કે ગોપાળ ગાંધી જેવી આવડે એવી ગુજરાતી બોલવા પ્રયાસ કરે છે નારયણ દેસાઇને મૂર્તિદેવી પુરસ્કાર આપવા માટેના કાર્યક્રમનું સંયોજન મેં જ કરેલું. ગોપાળ ગાંધી એ સમારોહના મુખ્ય‍ મહેમાન હતાં. આનો સમારોહ હિંન્દિમાં ચાલ્યો હતો-ખુદ નારાયણ દેસાઇ હિંન્દિેમાં બોલ્યા હતા પરંતુ ગોપાળ ગાંધીએ ગુજરાતીમાં ભાષણ કર્યું હતું.) ગુજરાતી બિચારી ‘ગરીબકી જોરુ’ બની ગઇ છે. ગુજરાતી પ્રજા મહાજાતિઓની યાદીમાં આવી ગઇ અને ગુજરાત વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજયમાં ગણાવવા લાગ્યું  પરંતુ ગુજરાતીની હાલત ‘શું શાં કેરા પૈસા ચાર’ વાળી જ રહી, કહો કે એથીય બદતર બની ગઇ. પ્રેમાનંદના જમાનામાં ગુજરાતીઓને ગુજરાતી બોલવામાં લાજ ન હોતી આવતી. આજે તો મુંબઇ સમાચારના યુવાન મહિલા તંત્રી કહે છે એમ ઓછું ભણેલી મણિબહેનોને મુંબઇમાં રહેનારાં પોતરાને ગુજરાતી નથી આવડતું એનું ગૌરવ લાગે છે ! ‘એ અંગ્રેજી મિડીયમ ભણતા હોય પછી ગુજરાતી વાંચતાં ન જ આવડે ને !’ આ એમની દલીલ છે.  આપણે અજાણતાં જ અઢારસો ચોત્રીસની સાલમાં મેકોલેએ જોયેલું સપનું સાકાર કરી રહયાં છીએ કે બીજું કંઇ ? માતૃભાષા તો આપણા લોહીનો સંસ્કાર છે. એ આપણી આગવી ઓળખ છે- આઇડેન્ટિટી છે. આપણે માને મૂકીને માસીને તો ઠીક, રૂપાળી લાગતી પડોશની દીંટડી-એ વળગી પડયા છીએ. ધાવણ તો માતાનું-જનેતાનું જ પચે. પડોશણના થાનેલામાં પારકાં જણ્યાં માટે અમી ફુટવાનાં ખરાં ? અને ધાઇમાં તરીકે સ્વીકારીશું તોય એનું દૂધ કયારેય માતાના દુધની ગરજ તો નહીં જ સારી શકે તે નકકી. ગુજરાતી આપણી મા છે અને તેય કંઇ જેવી તેવી તો નહીં જ-ગુજરાતણ જેવી જ ગરવી અને નરવી છે એમાં નરસૈંયાનાં પરભાતિયા રચાયાં છે અને મીરાંના પદ પ્રગટયા છે એના આદિપુરૂષ આચાર્ય હેમચંદ્રના વ્યાતકરણ ગ્રંથ ‘સિધ્ધહેમ-શબ્દાનુશાસન’ની હાથી ઉપર નગરયાત્રા નીકળી એ વિશ્વ-સંસ્કૃતિની અજોડ ધટના છે. આજે જે ગુજરાતી પ્રજા વિશે એ ફકત પાસબુક અને ચેકબુક ને જ ઓળખતી હોવાનાં મેણાં મરાઇ રહયાં છે, એ  જ પ્રજાએ હજાર વરસ અગાઉ એના ગ્રંથની આવી ગરિમા કરી હતી-મહિમા કર્યો હતો એ શું આપણે માટે ગૌરવ લેવા જેવી બાબત નથી ? એનું અનુકરણ કરી થોડાં વરસ પર અમરેલીના અમર સપૂ રમેશ પારેખનાં ઓવરણાં લેવાયાં હતાં. ગાંધીનગરમાં ગુજરાતી સાહિત્ય-પરિષદનું ચુમાલીસમું અધિવેશન યોજાયું ત્યારે આવી જ ગ્રંથયાત્રા નીકળી હતી. હું પોતે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના સૂત્રધાર તરીકે કાર્યરત હતો ત્યારે મેં ગરવી ગૂર્જરપ્રજાને બે સૂત્રો આપ્યાં હતાં : ‘રક્ષતિ રક્ષતિ :’ અને ‘ગ્રંથિઓ છોડીએ, ગ્રંથો ભણી વળીએ.’ મેં ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્તમ સંદર્ભગ્રંથો વાચકને એના ઘર આણંગણે મળી રહે એ માટે એક અભિનવ ‘ગ્રંથરથ’ સજાવ્યો હતો. હું એ રથ લઇ ગામે ગામ, શાળા-કોલેજ અને પંચાયતો, પુસ્તકાલયોનાં બારણાં ટકોરતો રહયો. સરકાર બદલાઇ એની સાથે મારી પાસેથી એ મનગમતું કામ નુકસાન ગુજરાતી ભાષાને થયું હશે. હું તો આજે ગુણવંતભાઇએ ઉપાડેલી ઝુંબેશ સાથે પણ રાજય સરકારે સક્રિયપણે જોડાવું જોઇએ એવી દ્રઢ માન્યતા ધરાવું છું. ગુજરાતી ભાષાને મારતી બચાવવાની જવાબદારી એકલા શિક્ષકો કે સાહિત્યકારોની નથી. એ તો પ્રજાની અને તેથી પ્રજાના પ્રતિનિધિઓની, મુખ્યમંત્રીથી લઇ મજૂર સુધીના ગુજરાતી ભાષાઓની સહિયારી જવાબદારી છે. જેમ ગુજરાત સૌની છે એમ ગુજરાતી પણ તમામ ગૂર્જરજનોની છે. શિક્ષક અને વિચારક તરીકે ગુણવંતભાઇએ એક વિચારબીજ વાવ્યું પણ એને ઉછેરવાનું ભગીરથ કાર્ય એકલા સાહિત્યકારો કે શિક્ષકોથી નહીં થઇ શકે. હું તો ઇચ્છું  કે ગુણવંત ચીંધ્યા માર્ગે હવે પછી ખુદ ગુજરાતના જનપ્રતિનિધિઓ આવી યાત્રાઓ કાઢે. ‘ધ શો મસ્ટ ગો ઓન.’

આપણી ભાષા એ આપણી અસ્મિતાનું પ્રતીક છે. આપણે ગુજરાતીઓ વ્યાપારી માનસ ધરાવીએ છીએ, આપણને ત્વરિત ફાયદો જોઇએ છે તેથી આપણે ગમે તેવાં સમાધાનો કરી લઇએ છીએ. સામા માણસની અનુકૂળતાનો વિચારણ કરવો એ સદગુણ છે, પરંતુ એથી આપણી જાતને ભૂંસી નાખવામાં કયું શાણપણ છે ? આપણે જયાં જઇએ ત્યાંછ ‘એડજસ્ટઆ’ થઇ જઇએ છીએ. એથી આપણે બીજા લોકોને ગમીએ પણ છીએ. પણ આપણા સંસ્કાજરોનું બલિદાન આપી દઇ બીજાઓને વહાલા લાગવાથી લાંબા ગાળે જે નુકસાન થશે, એનો વિચાર કર્યો છે ? ‘ક્રાઇસિસ ઓફ આઇડેન્ટિાટી’ અસ્મિ તાની કટોકીટી સરજાવાની શકયતાનો ખ્યારલ કર્યો છે ?

બીલીમોરામાં વસંતની એક સોહામણી સાંજે ‘સંત’ ની હાજરીમાં મારી હદયવ્યએથા ઠાલવી રહયો છું. માતા, માતૃભૂમિ કે માતૃભાષાને માટે ચિંતા કરે તેને હું સંત જ ગણું. અહી તો ‘ગુણવંત’ અને ‘સંત’નો પ્રાસ પણ મળે છે ! એ કહેશે હું તો વસંતનો ટહુકો છું હું કહીશ : વસંથી મોટો સંત હોઇ જ શકે ! એથીય આગળ વધીને કહીશ કે ગિરા ગૂર્જરનીને વિશ્વ ગૂર્જરી બનવવાનું સ્વજપ્ન  આ જ મુલકમાં ધૂણી ધખાવીને બેઠલા એક ગાંધીજને નામજોગ નારાયણ દેસાઇએ સેવ્યું  છે, અને સાકાર કરવા માટે સૌથી વધારે ખપ લાગશે આપણા ‘એનઆરઆઇ’ વિદેશવાસી ગુજરાતીઓ અને ત્યાં  જઇને અમને ઘેલું લગાડનારા આપણા સંતો. મોરારિબાપુ, પ્રમુખ સ્વાતમી કે રમેશભાઇ ઓઝા જેવા સમર્થ ધર્માચાર્યો ગુજરાતી અને ગુજરાતિતાને સાત સમંદર પાર પ્ણ  જીવતી રાખવાનું અખૂટ સામર્થ્ય ધરાવે છે. આપણા ભાઇઓ પરદેશમાં જઇને પણરાયા છે ત્યાં  એક ‘લધુ ગુજરાત’ સ્વગયંભૂ સરજાઇ ગયું છે. એટલે ફકત તેજીને ટકોરની જરૂર છે. જો આપણો ગરબો કે પતંગ દુનિયાને ધેલું લગાડી શકતાં હોય તો આપણી હજાર વરસ પર્યંત ખેડાતી રહેલી સમૃધ્ધ માતૃભાષા કે ન લગાડી શકે ? આપણે હીનગ્રંથિથી મુકત બની ગુજરાતીમાં બોલીએ, ગુજરાતીમાં લખીએ અને ગુજરાતીમાં જીવીએ તે જરૂરી છે. ગુજરાતી હોવાના નાતે એ આપણી ફરજ પણ છે બલકે ગરજ પણ ખરી જ. આપણે ટકી રહેવું હશે સાચા અર્થમાં આપણું અસ્તિત્વ જાળવવું હશે તો આપણે આપણી ગરજે ગુજરાતીના ચરણે જવું પડશે. ગુજરાતી નહીં જાણનારો ગુજરાતી માણસ નહીં, મશીન બની જશે, એ વાતનો આપણે ખ્યાલ રાખવો પડશે. વિશ્વની શ્રેષ્ઠ  નવલકથાઓમાં સ્થાન પામે એવી નવલકથાઓ અને શ્રેષ્ઠ‍ કવિતાઓમાં ગણાવી શકાય એવી કવિતાઓ આપણી ભાષામાં રચાતી રહી છે. ગાંધીજીની ‘આત્મ‍કથા’ તો એવરગ્રીન બેસ્ટઓ સેલર રહી છે. એવી ગુજરાતીને આપણે જ તરછોડીએ તે કેવી વિડંબના છે !

એ સેતુભાષા તરીકે અંગ્રેજી શીખીએ બલકે અંગ્રેજો કરતાં પણ અંગ્રજીમાં વધારે પ્રવીણ બનીએ એ તો આવકાર્ય જ ગણાશે ; પરંતુ અંગ્રેજી આવડયું એટલે ગુજરાતી શીખવાની જરૂર જ નથી એ ખ્યાલમાંથી વેળા : સર મુકત થવું પડશે. અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય માનભેર ભણાવવો પડશે. જરૂર પડયે એ માટે કાયદો કરવો પડે તો એની પણ તૈયારી રાખીએ. આખરે શરૂઆતમાં જ કહયું એમ આ આપણા સ્વમાનનો પ્રશ્ન  છે. ગાંધીજીએ કહયું હતું કે રાષ્ટ્રભાષા વગરનો દેશ બહેરા-મૂંગો ગણાય. એમને મન માતૃભાષા અને રાષ્ટ્ર ભાષા ડાબી-જમણી આંખો જેવી હતી. આઝાદીના છ દાયકા વીતી ગયા પછી પણ આપણે હિંદીને રાષ્ટ્રધભાષાનો અધિકૃત દરજજો નથી આપી શકયા ! આપણો રાજયવહીવટ મહદંશે ગુલામીના પ્રતીક સમી વિદેશી ભાષમાં જ ચાલે છે. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટમાં ન્યાય પ્રક્રિયા અંગ્રેજીમાં  જ ચાલે છે ! કોઇ પણ સ્વમાની પ્રજાને આ પ્રકારની ગુલામી શોભે કે છાજે ખરી ? આજે સર્વેક્ષણો થાય છે તે મુજબ દુનિયામાં વધુમાં વધુ ‘સમજાતી’ ભાષા હિંદી છે. આપણા સિનેજગતે અજાણતાં જ હિંદીને વિશ્વ ચોકમાં રમતી મૂકી દીધી છે. પરંતુ ખાટલે મોટી ખોડ કે એજ હિંદીને હિંદુસ્તાનમાં હીન નજરે જોવામાં આવે છે. !

આપણી માતૃભાષાની વકીલાત કરતા હોઇએ ત્યારે ભગિનીભાષાઓને પણ ન જ ભૂલીએ. કદાચ એ જ આવડતી હોય તો પણ અંગ્રેજી કરતાં એ આપણી વધારે નજીકની છે, એટલો ભાવ તો રહેવો જોઇએ. જયાં સુધી આવી ભાવત્મએક એકતા અને આત્મસમ્માનની ભાવના નહીં કેળવી શકીએ ત્યાં સુધી એક પ્રજા તરીકે આપણે વિકસી શકીશું નહીં અને આઝાદી કેવળ કાગળ ઉપરની આઝાદી બની રહેશે. આપણી ભાષા-સંસ્કૃતિનો દ્રોહ તે આપણા આત્માનો દ્રોહ છે અને એનાથી મોટું પાપ હોઇ જ ન શકે.                                                                                                            .............ઘણું જીવો ગુજરાતી!

(ભાષણના અંતે ‘ઘણું જીવો ગુજરાતી’ શીર્ષક હેઠળ લખાયેલ શીધ્ર કાવ્યોનું વાચન કર્યું હતું.)

મો. ૯૮૭૯૫૪૩૧૩૨
૧૩-ઐશ્વર્ય-૧, પ્લોટ નં. ૧૩૨,
સેકટર-૧૯,
ગાંધીનગર-૩૮૨ ૦૨૧.