Dr. Keshubhai Desai

English Language
rss rss rss rss rss Find us on:
 
  નવલક્થાઓ રેખા ચિત્રો વક્તવ્યો નિબંધો
  વાર્તાસંગ્રહો નાટ્કો કવિતાઓ જીવન ઝરમર

વળગણ વગરનો વાર્તાવળી - કેશુભાઇ દેસાઇ

જાણું છૂં, સાવ અજાણ્‍યો લાગે એવો, કમ-સે-કમ લખનારને ન જ શોભે એવો- આ ‘વાર્તાવળી’ પ્રયોગ વાચક અને વિવેચક - ઉભયને કઠશે. પણ સ્‍વભાવે અળવીતરો છું, અને એથી જ કદાચ આટલી લાંબી ખે૫ ૫ણ  ખેડી શકયો છું. સીધોસાદો વાર્તાકાર નથી, ‘વાર્તાવળી’ છું, ‘બાણાવળી’ની પંગતમાં બેસું - એવો. પણ નથી મને અર્જુનનું ભાગ્‍ય સાંપડયું કે નથી એકલવ્‍યની પ્રતિષ્‍ઠા પ્રાપ્‍ત થઇ. હું કયાંક વચ્‍ચે લટકું છું, ત્રિશંકુની જેમ. ‘ઉંદરઘર’ની પ્રસ્‍તાવના લખનાર વિનોદ અધ્‍વર્યુ, ‘આગાહી’ની પ્રસ્‍તાવના લખનાર મોહન પરમાર તથા મારી વાર્તાઓના અભ્‍યાસી પ્રાગજી ભામ્‍ભી અને ર્ડા.દીપક પટેલ આ વાત સ્‍વીકારે છે. પહેલી વાર્તા આઠમા કે નવમા ધોરણનો વિધાર્થી હતો ત્‍યારે લખેલી. શીર્ષક આપેલું ‘સાપના ભારા’, આ ઉમાશંકરનું એ શીર્ષકવાળું એકાંકી વાંચ્‍યું  નહોતું, ત્‍યારની વાત છે. પછી એ વાર્તાવાળી નોટબુક લઇને શેઢે શેઢે કચરા મોતીના ખેતરે - જેને અમે ‘વદેશવાળું’ કહેતા - પહોંચી ગયેલો. કચરો મારો બાળગોઠિયો. ભણતરમાં કાચો પણ સમજણનો પાકો. કચરાને વાર્તા ગમી ગયેલી. ત્‍યાં સુધી હું સાધુસાહેબ (ચંદ્રકાંત સાધુ)ના આગ્રહથી કાવ્‍યો લખતો, જે શાળાના ભીંતપત્રમાં મુકાતાં. કચરા મોતીને ગમેલી વાર્તા અત્‍યારે ઉપલબ્‍ધ ન જ હોય; સ્‍વભાવિક છે. ગણી તો જુઓ, ૧૯૬૩ ની વાત છે. - પૂરાં છેંતાળીસ વરસ થયાં ! અર્થાત્ મારી વાર્તાયાત્રાને લગભગ અડધી સદી થવા આવી ! ‘સાપના ભારા’ની  થીમ તો સ્‍વાભાવિક રીતે જ સમજી શકાય એમ છે પણ કન્‍ટેન્‍ટ કે પાત્રોનાં નામ સુધ્‍ધાં યાદ નથી રહ્યાં. એ પછી લખાયેલી ‘જટાળો ભૂત’ વાર્તા ‘ચાંદની’માં છપાયેલી. એની પ્રત પણ ખોવાઇ ગઇ છે. નવમા ધોરણમાં ભણતાં ભણતાં જ લખેલી અને કે.એન.દેસાઇ જેવા મિતાક્ષરી નામે મોકલાવેલી. અશોક હર્ષને એ ગમેલી. કાલાંતરે મારી વાર્તાએ મને એક આગવી ઓળખ આપી છે.       છેલ્‍લે લખેલી વાર્તાઓમાં એકનું શીર્ષક છે ‘વાસ’. એનો નાયક છે બાશા, જેનું સાચું નામ સાશા છે અને તે મારી પાડોશમાં રહેતાં ફલાઇટ એન્જિનિયર જિતેન્‍દ્રકુમાર સિંહ અને સુશ્રી પેમીલાનો પાલતુ શ્‍વાન છે. મારો લાડકો દીકરો હોય એટલા અધિકારપૂર્વક એ મારા પલંગ પર ચડી જાય છે, ખોળામાં બેસી જાય છે. મોઢું ચાટવાનો અને ઉમળકો રોકતાં મને નવ નેજાં થઇ જાય છે. ર્ડા.દીપક પટેલ એમની પસંદગીની મારી વાર્તાઓનું સંપાદન કરી રહ્યા હતા. મને મારી આ છેલ્‍લે લખાયેલ વાર્તા તરફ એટલો બધો પક્ષપાત હતો કે મેં દીપકભાઇને આગ્રહપૂર્વક એનો સમાવેશ કરી લેવા જણાવ્‍યું હતું. ‘વાસ’ પછી એકાદ વાર્તા લખાઇ છે ખરી, જેનું શીર્ષક ‘ખોટાબોલી’ છે. એ જુલાઇ, ર૦૦૯ ના સતીશ ડણાકના તંત્રીપદે પ્રગટ થયેલ ‘જલારામદીપ’ના બાળમાનસ વાર્તાવિશેષાંકમાં છપાઇ છે. આ બે અંતિમો વચ્‍ચેના છેંતાળીસ વરસના પ્રલંબ પટ પર મારી કેટલી બધી ટૂંકી વાર્તાઓ પથરાયેલી છે ! સો-બસો તો એવી વાર્તાઓ છે જે મેં ‘સંદેશ’ ‘ગુજરાતમિત્ર’ ‘સમભાવ’ કે ‘દિવ્‍ય ભાસ્‍કર’માં વાર્તા-કટારો ચલાવતાં લખી હતી : ‘તરસ્‍યા ટહુકા’ ‘મેઘધનુષ’, ’વનરાવન’ અને ’અમે કરીશું પ્રેમ’ આવી વાર્તા-કટારો હતી. કનુભાઇ જાનીને મારા પહેલાં વાર્તાસંગ્રહની ‘જાતર’, ‘મામેરું’ અને ‘મુકામ પાંજરાપોળ’ જેવી વાર્તાઓ એટલા માટે યાદ છે કે કયારેક આકાશવાણીએ એમનું નાટયરૂપાંતર કર્યું હતું. અલબત્ત, મને એ ભૂલાઇ ગયેલું. કૂતરી જે આસાનીથી એનાં કુરકુરિયાંને - અમુક સમયગાળો વીત્‍યા પછી વીસરી જતી હોય છે, એટલી આસાયેશથી હું મારી વાર્તાઓને ભૂલી જવા ટેવાઇ ગયો છું. આમ, ખરું પૂછો તો હું એક ‘નઠોર’ વાર્તાસર્જક છું. લઘુનવલના વિષયોને કયારેક મેં ટૂંકી વાર્તાઓમાં ખપવી- વાપરી દીધા છે અને ટૂંકી વાર્તાની થીમ પર લઘુનવલો ‘લખી નાખી’ છે. લાંબીટૂંકી વાર્તાઓ પ્‍ણ લખી છે. ‘ઓશિયાળ’ ને યશવંત શુકલ બેઉ સ્‍વરૂપોમાં બંધબેસતી કૃતિ ગણે છે. છેલ્‍લે છપાયેલી ‘પુરુષજાત’ અને ‘ઉત્તરાર્ધ’ દિવ્‍ય ભાસ્‍કર જૂથના ‘અહા’ ! જિંદગી’ ના આમંત્રણથી લખાયેલી અને મારી દ્રષ્‍ટિએ તે બેઉ લાંબીટૂંકી વાર્તાઓ છે. ૫ણ એમણે લઘુનવલો ગણીને પ્રકાશિત કરી હતી. ટૂંકમાં, હું સ્‍વરૂપની શિસ્‍ત જાળવનારો વાર્તાકાર નથી. અદ્લ એ જ રીતે મેં પરંપરાગત - જૂની કે નવી, આધુનિક-અનુઆધુનિક જેવી ભાંજગડમાં પણ પડવાનું પસંદ નથી કર્યું. સાચો સર્જક કદાચ આવી વળગણોનો બોજ જીરવી પણ ન જ શકે. હું તો બસ લખતો રહ્યો છું. તમને ઠીક લાગે તો વાંચો, વાંચીને વખાણો જ, એવો પણ કયાં આગ્રહ રાખું છું ? તમને ઠીક લાગે તેવો અભિપ્રાય બાંધો. વખોડશો તોય દુ:ખ નહીં લગાડું. તમારા અભિપ્રાયનો હું માલિક થોડો છું ? Do as you like. લેખક એક કૃતિ લખી દે, એ પછી એના પર વાચકનો અધિકાર શરૂ થઇ જતો હોય છે - ખરું પૂછો તો મારી ટૂંકી વાર્તાઓ મારી આત્‍મકથાના વેરવિખેર ટુકડા જ છે !
###
મારો પહેલો પ્રેમ કવિતા. મને કવિ તરીકેની ઓળખ કયારેય નથી સાંપડવાની, એ જાણું છું. છતાં ‘મૂડ’ આવે ત્‍યારે તંત્રીઓને છાપવી ગમે તેવી કવિતા પણ લખી જાણું છું ! ટૂંકી વાર્તાનો પટ નાનો પડતો લાગ્‍યો એટલે નવલકથા ભણી વળ્યો. મારે મન નવલકથા એ લાંબી વાર્તા જ છે - મોટા ભાગના વાચકો પણ એને વાર્તા તરીકે જ વાંચતા હોય છે. એ વિવેચકોને પૂછી પૂછીને વાંચતા હોત તો આપણા સુરેશ જોષી અને સુમન શાહ હોટ કેકની જેમ વંચાતા હોત. વાચક એના સ્‍વવિવેચકથી વાંચે છે અને વાચક જ આખરે તો કૃતિને ચિરંજીવ પણ બનાવે છે. શરદચન્‍દ્ર અને પ્રેમચંદ કે ટોલ્‍સ્‍ટોય અને દોસ્‍તો-એવસ્‍કીને વાચકોએ અમર બનાવ્‍યા કે વિવેચકોએ ? છતાં એવુંય નહીં કે હું વિવેચકનો અનાદર કરું છું. હું તો વાચક-વિવેચક ઉભયનો પુરસ્‍કાર કરનારો સર્જક છું. મારો સર્જક એમનો ઓશિંગણ જરૂર હોઇ શકે પણ ઓશિયાળો તો નહીં જ, એટલી કાળજી રાખું છું.       મારો પહેલો વાર્તાસંગ્રહ ભાષાનિયામક કચેરીની સહાયથી ૧૯૮૩ માં છપાયેલો. ‘પ્રાત:રુદન’ આમ જુઓ તો મારું પહેલું પુસ્‍તક; પણ આર્થિક સહાય અંગેનો ‘સરકારી નિર્ણય’ વિલંબતાં એ ચોથા નંબરે છપાઇ શકયું હતું. એ પહેલાં મેં જાતે શરૂ કરેલા ‘આનર્ત પ્રકાશન’ ના બેનર હેઠળ એકીસાથે મારાં ત્રણ પુસ્‍તકો ૧૯૮૧ માં પ્રગટ થયાં હતાં. ‘વન વનનાં પારેવાં’, ‘જોબનવન’ અને ‘એક ઘર જોયાનું યાદ’. પહેલી બે નવલકથાઓએ મને ઘણી પ્રસિદ્ઘિ અપાવી બલકે એ નવલબેલડી થકી નવલકથાકાર તરીકે મારી સ્‍થાપના થઇ ગઇ.         મારો બીજો વાર્તાસંગ્રહ ‘ઝરમરતા ચહેરા’ રઘુવીભાઇની ઉદાર પ્રસ્‍તાવના અને પ્રાગજી ભામ્‍ભીના અભ્‍યાસલેખ સાથે પ્રગટ થયો. ‘ઝરમરતા ચહેરા’ ના વાર્તાકાર કેશુભાઇ એક વાચક તરીકે મને આજે પણ એટલા જ ગમે છે. એની સાથે જ પ્રકાશિત થયેલ રજનીકુમાર પંડયાની પ્રસ્‍તાવનાવાળા ‘વનરાવન’ વાર્તાસંગ્રહની વાર્તાઓને હું ‘શોર્ટ સ્‍ટોરીઝ’ નહીં કહેતાં ‘હાર્ટ સ્‍ટોરીઝ’ કહેવાનું પસંદ કરું. કેટલાક અભ્‍યાસીઓને - વાર્તાકારોને એ વાર્તાઓ કળાની શરતો મુજબ થોડી ઉતરતી લાગી છે છતાં, ‘ઝરમરતા ચહેરા’ એ મારો પ્રતિનિધિ વાર્તાસંગ્રહ ગણવો જોઇએ, એવો મારો અંગત મત છે. અભ્‍યાસીઓએ મારી ‘ડલા’ કે ‘ઓર્થોડોકસ’ જેવી વાર્તાઓ વખાણી પણ ખરી અને રઘુવીરભાઇએ તો પ્રત્‍યક્ષીકરણની ક્ષમતા ધરાવતી આ સંગ્રહની તમામેતમામ વાર્તાઓ અનુવાદક્ષમ હોવાનું પ્રમાણપત્ર આપી એમની મહત્તા વધારી દીધી.   ખેડૂત પિતાના પાત્રને મેં મારી વાર્તાઓમાં વિધવિધ સ્‍વરૂપે ‘એક્સ્‍પ્‍લોઇટ’ કરી ટૂંકી વાર્તાઓ રચી છે. ‘ઓર્થોડોકસ’માં મારા પિતાની પોતીકી પીડાને - જિંદગીની વસમી ટ્રેજેડીને મેં ફોજદારની પીડા સ્‍વરૂપે આલેખી છે તો ‘પ્રાત:રુદન’ વાર્તાસંગ્રહની વાર્તા ‘હાડોહાડ’માં લગભગ બનેલા પ્રસંગને જ નિરૂપ્‍યો છે. ‘કંકોતરી’ અને ‘લોહી’ વાર્તાઓના નાયક પણ મારા પિતા જ છે. મને જિંદગીમાં વધુમાં વધુ પ્રેમ પિતા તરફથી મળ્યો છે. માતા, બહેનો, મોટાભાઇ કે પત્‍ની - એ બધાં મને ખૂબ ચાહતાં રહ્યા છે, દિકરી અયના તો મારી પાછળ ઓગળી ગઇ છે એમ કહું તો ચાલે, છતાં વત્‍સલ બાપનું હૈયું તો એકમેવાદ્રિતીયમ્.. એની તોલે જગતનો કોઇ સબંધ ન આવી શકે કારણ કે એ ઓલિયા જીવને તો કોઇ અપેક્ષા જ ન હતી. દાંપત્‍યના અંતિમ પુષ્‍પ સમા પુત્ર પ્રત્‍યે એમને જીવ્‍યા ત્‍યાં લગી આંધળો પક્ષપાત રહ્યો. પહેલા ખોળાના પુત્ર અને ચાર બહેનોના ભાઇ તરીકે છેલ્‍લે જોડિયા બહેન લઇને આવેલા દીકરા વચ્‍ચે પૂરો સવા સત્તર વરસનો ગાળો હતો; અને સત્તર-અઢાર વરસે તો દીકરાને ઘેર દીકરો રમતો હોય, એવો એ જમાનો હતો. પિતાએ મને અઢળક પ્રેમ આપ્‍યો, મારી પાછળ શહીદ થઇ ગયા - એમ કહું તો અતિશયોકિત નહીં લેખાય. પણ હું એમના ગ્રામીણ વેશ-પરિધાન અને કંજૂસાઇને વળોટી જાય એવી કરકસરને કારણે એમના પ્રત્‍યે સૂગ રાખતો રહ્યો. એમના જુનવાણી વિચારો અને ધાર્મિક શ્રદ્રા તરફ, એમના રૂઢિવાદી વલણ તરફ મને જે નફરત જાગી એ મારી આંખોનું પડળ બની ગઇ. હું એક વત્‍સલ બાપને અન્‍યાય કરતો રહ્યો, ધુત્‍કારતો રહ્યો. પિતાના પાત્રની આજુબાજુ ગૂંથાયેલી મારી ટૂંકી વાર્તાઓ હકીકતે મારું પ્રાયશ્ર્ચિત્ત પર્વની પૂર્ણાહુતિ થશે. એથીય સંતોષ નહીં થાય તો હું આત્‍મકથા લખીને એમની સીધી માફી માગી લઇશ.     ટૂંકી વાર્તાની થીમ મને હાલતાં ને ચાલતાં સામી મળતી રહી છે. મારી ભેંસ-બળદથી શરૂ કરી વિદેશવાસી ગુજરાતીઓ, સ્‍ત્રીઓ, વનવાસીઓ, દલિતોના વિષય પર વાર્તાઓ લખી છે. મેડિકલ પ્રોકિટસ કરતો હતો ત્‍યારે રોજના હિસાબે વાર્તાઓ મારી ‘પેશંટ’ બનીને, લપાતી-છુપાતી ચાલી આવતી. મને એવો તો મૂંઝારો થયો કે આખરે એક દિવસ મેં મેડિકલ વ્‍યવસાય જ છોડી દીધો. હું દિલથી નહોતો ઇચ્‍છતો એવાં ‘પાપ’ મારે પેટ ખાતર કાં તો સામી વ્‍યકિતની આબરૂ ખાતર કરવાં પડતાં હતાં. મારા ધર્મિષ્‍ઠ પિતાને એનો અણસાર આવ્‍યો ત્‍યારે એ દુ:ખી દુ:ખી થઇ ગયેલા. જે દીકરાને મરતાં માણસને જિવાડવા દાકતર બનાવ્‍યો એ તો અવળે પાટે ચડી ગયો હતો ! તબીબી વ્‍યવસાયના પ્રત્‍યક્ષ અનુભવો, એક દાકતર સામે ઊઘડતું જિંદગીનું વરવું સત્‍ય, એમાં કયારેક થતો સુખદ ચમત્‍કાર - એ બધું ગળાઇ-ચળાઇને મારી વાર્તામાં ઊતરતું રહ્યું છે. મોહન પરમારે સંપાદિત કરેલ સાહિત્‍ય પરિષદના સંપાદન (ર૦૦પની નવલિકાઓ)માં પસંદ કરેલી અને અગાઉ ‘ગધપર્વ’માં છપાયેલ મારી વાર્તા ‘હનુમાન’નો નાયક મને કાનોરિયા હોસ્પિટલના અધીક્ષક અને જાણીતા મનોચિકિત્‍સક ડો.રાજેન્‍દ્ર આનંદની ચેમ્‍બરમાં મળી ગયેલો. એની માતા એની બ્રાઉન સુગરની લત છોડાવવા એને ઇન્ડિયા લઇ આવેલી. ખૂબ જ નિખાલસ છોકરો. એનો અમેરિકી ઉછેર આવા જીવલેણ વ્‍યસન છતાં એની અમિટ છાપ મૂકી ગયો. એમાંથી સરજાયો મારો ‘હનુમાન’. ‘રંડાપો’ વાર્તા હું ડોકટર હોવાને કારણે જ લખી શકયો હતો. સવારે બાયપાસ સર્જરી થવાની છે અને આગલી રાતે નાયકને કામેચ્‍છા પ્રગટે છે. પત્‍ની એમ સમજીને એને વારે છે કે હાર્ટએટેકના દર્દી માટે આવો આવેગ જોખમી નીવડી શકે. પણ આવેગ દબાવવાનું પરિણામ કેવું વિપરીત આવે છે ! ન કોઇને કહેવાય કે ન સહેવાય. એવી જ એક વાર્તા છે ‘નોતરું’- કિડની ફેઇલ્‍યોરથી થતા મૃત્‍યુની, જે ‘શબ્‍દસૃષ્‍ટિ’ માં છપાયેલી. નવસારીની આંખની હોસ્પિટલના આમંત્રણથી લખાયેલી વાર્તા ‘રેટીના પિગ્‍મેન્‍ટોઝા’ જેવી અંધાપો અણનારી બીમારીની થીમ પરથી લખાયેલી. ડોકટર હોવાને કારણે જ હું મનોવિજ્ઞાનનો જાણકાર છું. મારી અગ્રંથસ્‍થ વાર્તા ‘પટકથા’ (જે ‘ખેવના’ના વાર્તાવિશેષાંગમાં છપાયેલી)ની થીમ ડોકટરોને ગળે ન ઉતરે એવી છે. ઘાઘરી પહેરી આખી જિંદગી સ્‍ત્રીપત્રનો પાઠ કરનાર તરગાળા નાયકની પત્‍ની માટે પતિનું સ્‍ત્રૈણ સ્‍વરૂપ મનના માણીગર તરીકે માન્‍ય નથી. એથી પતિથી જ થનારા પુત્રનો ચહેરો એના બાયોલોજિકલ બાપને નહીં પણ પેલા જેસંગ જાગીરદારને મળતો આવે છે. આ જેસંગ જાગીરદારને તો બિચારી નાયકાણીએ જોયો સુધ્‍ધાં નથી. હા, ધણીના મોઢે રંગભૂમિ પર એના પ્રેમી કે પતિનો પાઠ કરતા એ ‘પુરુષ’ને એનું સુષુપ્‍ત મન જરૂર ઝંખતું હોય. આ ઝંખનાની ફલશ્રુતિ સ્‍વરૂપે એનું બાળક કયારેય નહીં જોયેલા એવા પરપુરુષનો ચહેરો લઇ અવતરે છે. આવા તો ઘણા પ્રયોગો મારી ટૂંકી વાર્તાઓ વાંચનાર શોધી શકે.      ટૂંકી વાર્તાની સેંકડો થીમ મારા મગજની ‘ડિસ્‍ક’માં સંઘરાઇને પડી છે, કંઇ-કેટલીય કાળાંતરે ભૂંસાઇ ગઇ છે. કયારેક ઉમળકો જાગે ને વાર્તા લખવા બેસી જઉં, એક-બે પાનાં લખાઇ ગયા પછી વળી બીજું કોઇ ‘વધારે અગત્‍યનું’ કામ આવી ચડે. કયાંક બહાર જવું પડે. પછી પેલી અધૂરી રહેલી વાર્તાનો કયારેય નંબર ન લાગે. એ બિચારી અડધાં મૂંડાયેલા માથાની જેમ અથવા કહો કે તરછોડાયેલી વાગ્‍દત્તાની જેમ મારી ફાઇલોમાં કણસ્‍યા કરે. આવી તો કેટલી વાર્તાઓને મેં નળની જેમ ક્રૂર કાં મજબૂર બનીને વનવગડે વલવલતી મૂકી દીધી છે. એ દમયંતીઓનો ઉદ્ધાર કરવાનો વખત જ કયાં રહે છે ?     - આવી શાપિત વાર્તાઓનો પણ કયારેક સંગ્રહ કરવા જેવો ખરો ! મારી વાર્તાએ મને બીજું કંઇ ભલે ન આ૫યું હોય, પણ એક ગૌરવભર્યું નામ જરૂર આપ્‍યું છે. આ ‘માન’નો નશો જ કંઇ ઓર પ્રકારનો હોય છે. એ માણસને ગમે તેવા મોટા પડકારો વચ્‍ચે અડીખમ રાખે છે. મેં જેટલું લખ્‍યું છે એટલું ‘જમણા’ હાથે જ લખ્‍યું છે - કયારેય ફકત લખવા ખાતર નથી લખ્‍યું. ત્રીસ-પાંત્રીસ વરસ અગાઉ લખાયેલી ‘પ્રાત:રુદન’ વાર્તાસંગ્રહની ‘જાતર’ કે ‘મામેરું’ વાર્તા મને આજે પણ વાંચવી ગમે છે. મને ‘દુકાળ’ વાર્તા વાંચતાંની સાથે મારે ત્‍યાં વીસ વરસ લગી કામવાળી તરીકે રહેલી મણિડોશી યાદ આવી જાય છે. ‘ઝરમરતા ચહેરા’ની નાયિકા એ જ મારી જાણીતી નવલકથા ‘લેડીઝ હોસ્‍ટેલ’ની કે ‘વંશવૃક્ષ’ની પણ નાયિકા છે. ભલે એનાં રૂપરંગ અને પરિવેશ જુદાં હોય. મારી નિ:સંતાન અવસ્‍થા વિધ વિધ સ્‍વરૂપે મારી વાર્તાઓમાં ઝિલાઇ છે અને હું તો સ્‍પષ્‍ટ રીતે સ્‍વીકારું છું કે વાચકને મારી વાર્તા વાંચવી ગમતી હોય તો એનું ખરું કારણ એની અંત:પ્રતીતિ છે; એમાં રસાયેલા સત્‍યનો જ એ પ્રભાવ છે. મારા વસમા યથાર્થને શબ્‍દસ્‍થ કરવાનું મોકળું મેદાન મને ટૂંકી વાર્તાએ પૂરું પાડયું છે અને નવલકથાકાર કરતાં પહેલો હું વાર્તાકાર છું. હું પ્રતિકૂળતાઓ વચ્‍ચે પણ ટકી શકયો હોઉં તો ગરવા પૂર્વસૂરિઓના અદષ્‍ટ ટેકાના બળે. મારી ટૂંકી વાર્તા કોઇ પ્રતિષ્‍ઠિત સામયિકમાં પ્રગટ થાય છે ત્‍યારે હજીય એ જ રોમાંચ અનુભવું છું જે કયારેક ‘ચાંદની’ કે ‘જનસત્તા’ની મુંબઇ ડાક-આવૃત્તિમાં મારી વાર્તા છપાયેલી જોઇ અનુભવતો. હજીઆ ક્ષણે પણ મારી પ્રિય ટૂંકી વાર્તાઓ છે ધૂમકેતુની ‘પોસ્‍ટ ઓફિસ’, પન્‍નાલાલ પટેલની ‘વાત્રકને કાંઠે’, જયંત ખત્રીની ‘લોહીનું ટીપું’ અને ચુનીલાલ મડિયાની ‘અંત:સ્‍ત્રોતા’ કે મોહમ્‍મદ માંકડની ‘મેરકો’. હું મથું છું અને દિલથી પ્રાર્થું છું કે આવી કાલજયી વાર્તા કયારેક મારી કલમે પણ અવતરે.

વાર્તાસંગ્રહો :      
૧. પ્રાત:રુદન, (૧૯૮૩),
ર.ઝરમરતા ચહેરા, (૧૯૯૯),
૩.વનરાવન (૧૯૯૯),    
૪.ઉંદરઘર (ર૦૦ર),
પ.સદાબહાર વાર્તાઓ : કેશુભાઇ દેસાઇ (ર૦૦ર),   
૬.કેશુભાઇ દેસાઇની વાર્તાસૃષ્‍ટિ / સં.પ્રાગજી ભામ્‍ભી, (ર૦૦૭),
૭.કેશુભાઇ     દેસાઇની વાર્તાસંપદા / સં.ડો.દીપક પટેલ (ર૦૦૯),
૮.આગાહી